જિંદગી આખી ઝબોળી છે 

​તમારા સ્નેહમાં આ જિંદગી આખી ઝબોળી છે
કહું કેવી રીતે, મારે ફકત આજે જ હોળી છે

દિવસ આખો પડે ઓછો, સ્મરણ રાતે ય કનડે છે
નથી સંભાળી શકતો હું, બહુ તોફાની ટોળી છે

શરત કોઈ કરે, જોયા વગર હું ચિતરુ તમને
કલમમાં શાહીને બદલે હવે, મેં જાત ઘોળી છે

મહિનો એક લાગે ચાંદને નિહાળવા પૂરો
તમોને જોઇને મે એટલે બે આંખ ચોળી છે

હતું વર્ષો જુનુ, તો પણ હણાયું દર્દ પળભરમાં
તમારો સ્પર્શ છે કે, કોઈ એ જાદુઈ ગોળી છે

સંદિપ પુજારા

મારી આ ગઝલ

ખળખળ વહી રહેલી નદી મારી આ ગઝલ
દિવસો નથી, છે એક સદી મારી આ ગઝલ

વ્યાધિ, ઉપાધિ, શોક અને હો ઉદાસી પણ
પળમાં મિટાવે સઘળી બદી મારી આ ગઝલ

સરવાળો બાદબાકી કશું થાય નહિ હવે
કેવળ લખી છે એકપદી મારી આ ગઝલ

સીધી સરળ રહી એ હતી મારી જ્યાં સુધી
તમને ધરી, તો થઇ છે મદી મારી આ ગઝલ

મારા જ થઈ ગયા છે બધા લોક એ રીતે
વાંચી છે જેણે જેણે કદી મારી આ ગઝલ

સંદીપ પુજારા

એસએમએસમાં

તું મોકલે છે વ્હાલ મને એસએમએસમાં
છે ફોન મારો એટલે ફૂલોની રેસમાં

મંદિરે ના જવાય તો અફસોસ ના કરું
દર્શન બધાય થાય છે દીકરીના ફેસમાં

પાલવથી એના, મુખ જરા મારુ ઢાંકીને
માએ સૂરજને પુરી દીધો સૂટકેસમાં

તારો ને મારો પ્રેમ તો મૃત્યુ સુધીનો છે
ના મોકલું તને, કે ન જાઉં રીશેષમાં

હો લાગણીની વાત તો પાછો પડ્યો નથી
હારી ગયો છું રોજ ભલે ને હું ચેસમાં

સંદીપ પુજારા

તમે મારી સામે જુઓ તો ખરા

તમે મારી સામે જુઓ તો ખરા
વધુ નહી તો થોડું, ઝુકો તો ખરા

પ્રણયથી વધુ કંઈ મહેકતું નથી
ભલે દૂરથી, પણ સૂંઘો તો ખરા

મળે બે, પછી તો હજારો થશે 
પ્રથમ હાથમાં હાથ મુકો તો ખરા

બધાયે સવાલોનો છું હું જવાબ
કદી પ્રશ્ન પહેલો પૂછો તો ખરા

હકીકત છું, હું કોઈ સપનું નથી
જરા ઊંઘમાંથી ઉઠો તો ખરા

સજાવી દઉં હું બગીચો પછી
થઈ એક કૂંપળ, ફૂટો તો ખરા

સંદીપ પૂજારા

ઈચ્છાની માછલી

ઈચ્છાની માછલીને તરવાને ઊનું પાણી
મરવાની તરફડીને, કરવાની ધૂળધાણી

આ પ્રેમના નગરમાં ઉત્સવ ફકત ઉદાસી
અંગત ને આગવી છે સૌની અહીં ઉજાણી

ચારે દિશા ફરીને માપ્યો ભલે સમંદર
જોવું પડે પ્રથમ કે હોડી નથીને કાણી !

ઢળતી હો સાંજ એ પણ સંકેત છે સુગંધી
હમણાં જ મહેકી ઉઠશે ઉપવનમાં રાતરાણી

આપું છું નોતરું તો હું માત્ર લાગણીને
ના પાડું તોય સાથે પીડાને લાવે તાણી

સાચું કે સુખની સાથે અડધોઅડધ છે દુ:ખ પણ
આ જિંદગીને તોયે ભરપેટ મેં વખાણી

સંદીપ પૂજારા

આ આવી ગઝલ

ક્યારનો વિચારતો’તો કે લખું તાજી ગઝલ
જ્યાં તને જોઈ તો લાગ્યું, હાશ ! આ આવી ગઝલ

બોલવાની પણ છટા તારી ગજબ છે, આય હાય !
દાદ આપી તોય લાગ્યું તે કહી સામી ગઝલ

તું મળે છે હર વખત જાણે કે તાજો શેર થઈ
પ્રશ્ન એવો પણ થતો, કે કેટલી લાંબી ગઝલ ?

નામ તારું હોઠ મારા જયારે જયારે ગણગણે
જીદ કરી હૈયું કહે સંભળાવો ને પાછી ગઝલ

પહોંચવા તારા સુધી રસ્તો બીજો શોધ્યો જ નહિ
ત્રણસો ને પાંસઠ દિવસ મેં માત્ર પ્રગટાવી ગઝલ

સંદીપ પૂજારા

ખ્યાલ રાખું છું

હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું
તમારા સમ, તમારા પર વધારે વ્હાલ રાખું છું
 
તમે જે બાળપણમાં સ્કૂલમાં ભૂલીને આવ્યા’તા
હજી આજેય ખિસ્સામાં હું એ રૂમાલ રાખું છું
 
તમે મનમાં હજારો વાર મારું નામ બોલો છો
તમે રાખો ન રાખો હું બધો અહેવાલ રાખું છું
 
મળે કે ના મળે મંઝિલ સફરનો લૂંટવા આનંદ
તમે ચાલો છો એ રસ્તે જ મારી ચાલ રાખું છું
 
કહો ને પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું ?
કદીયે પ્રેમ કરવામાંય ક્યાં હું કાલ રાખું છું
 
સંદીપ પૂજારા

આવનારું વર્ષ

આવનારું વર્ષ ખુશીઓથી ભલે ઉજવાય છે
પણ ગયું જે, એ જ પાછું આવતું દેખાય છે

આ વરસમાં તો હવે નક્કી જ છે કરવું જ છે
આ જૂની કેસેટ, બધ્ધાના મુખે સંભળાય છે

વર્ષનું તો ઠીક છે, કે બાર મહિને ફિક્સ છે
એક દિવસમાં કઈંક વેળા માણસો બદલાય છે

ગત વરસનું આપ સરવૈયું તપાસી ને કહો
સ્મિતનું ને આંસુનું બેલેન્સ સરખું થાય છે ?

વર્ષની સાથે ભલે ઉંમર વધી રહી છે છતાં
આપણી સંવેદનાઓ થોડી મરતી જાય છે

સંદીપ પૂજારા

નહિ કરું-2

થીજી ગઈ છે આંખમાં તો જળ નહિ કરું
પીડાની વારતા, હવે એક પળ નહિ કરું

નફરત, કે પ્રેમ હો બધું હદમાં જ રાખું છું
બેમાંથી એક પણ હું ગળોગળ નહિ કરું

છોડાવવો છે હાથ? તો છોડી જ દઈશ, જા 
છું આમ તો સમર્થ છતાં, બળ નહિ કરું

જ્યાં જયાં રહીશ એ ઓરડો ઝગમગ થઈ જશે 
હું માત્ર કોડિયાને જ ઝળહળ નહિ કરું

મળશે જો રસ્તામાંય, તો ભેટી લઈશ, પણ 
મૃત્યુને મળવા માટે, ઉતાવળ નહિ કરું

સંદીપ પૂજારા

નહિ કરું-1

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું

ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું

જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે
તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું

સંદીપ પૂજારા